સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાવણી લાયક વરસાદ ન થવાને કારણે રાત્રે અને દિવસે વાતાવરણમાં બાફ અને ઉકળાટનું પ્રમાણ વધી રહયું છે ત્યારે સોમવારે રાત્રે ખેડબ્રહ્મા અને વડાલી તાલુકામાં વરસાદી ઝાપટાં પડયા હતા. ડીઝાસ્ટર વિભાગના જણાવાયા મુજબ, છેલ્લા 24 કલાકમાં જિલ્લાના આ બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહ્યું હતું. સોમવારે રાત્રે ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ અંદાજે 5 મીમી અને વડાલી પંથકમાં 2 મીમી વરસાદ પડયો હતો. દરમિયાન આ બંને પંથકમાં રાત્રે 10થી 12 વાગ્યાના ગાળામાં વરસાદી ઝાપટાં પડયા હોવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વડાલીમાં ગાજવીજ સાથે થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેવા માંડયું હતું. સાથો સાથ વડાલી અને વડગામડા, થુરાવાસ, થેરાસણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે વરસાદી માહોલને લઈને આગામી દિવસોમાં વધુ વરસાદ થવાની શકયતા છે. તો બીજી તરફ જિલ્લામાં ચોમાસાનો અત્યારસુધી 12.82 ટકા વરસાદ નોંધાયો છે. તાલુકાવાર વરસાદની વિગતો મુજબ ખેડબ્રહ્મામાં 4.98 ટકા, વિજયનગરમાં 16.10 ટકા, વડાલીમાં 7.44 ટકા, ઇડરમાં 5.49 ટકા, હિંમતનગરમાં 15.51 ટકા, પ્રાંતિજમાં 19.66 ટકા, તલોદમાં 20.06 ટકા અને પોશીનામાં 8.76 ટકા વરસાદ થયો છે. સાથો સાથ જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, પોશીના સહિતના અન્ય વિસ્તારોમાં તા.21 જુલાઈ સુધી સંતોષકારક વરસાદ ન થવાને કારણે સ્થાનિક પ્રજા ખુબ જ ચિંતીત છે. જોકે હવામાન વિભાગ દ્વારા સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદ થવાની આગાહી કરાઈ હોવાને કારણે જિલ્લાવાસીઓ વરસાદની રાહ જોઈને બેઠા છે. જો કે, વરસાદી માહોલ વચ્ચે મંગળવારે બપોરે પછી વિજયનગર પંથકમાં અંદાજે 15મીમી અને મોનાલી પંથકમાં 2 મીમી વરસાદ થયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
