હિંમતનગરના વોર્ડ નંબર- 6માં રહેતા નાગરિકોએ આ વિસ્તારમાં અંતિમધામ બનાવવા માટે તાજેતરમાં નગરપાલિકાની સામાન્ય સભામાં કરાયેલા ઠરાવનો વિરોધ કર્યો છે, તેમણે કેનાલમાં વહેતું ગંદુપાણી બંધ કરવા અને પીવાના પાણીની લાઇન હટાવવા 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર પાલિકાએ મોતીપુરા વિસ્તારમાં આવેલ સર્વે નંબર 14/2 પૈકી 79માં પંપિંગ સ્ટેશન પાસે નવું અંતિમધામ બનાવવાનો ઠરાવ કર્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે, જેના માટે નજીકના રહેવાસીઓની મંજૂરી લેવામાં આવી નથી, ગર્ર્ગાચાર્ય સોસાયટી, કબીર રેસિડન્સી, પરિશ્રમનગર, સૂર્યનગર, ચંદ્રનગર, રામદેવ આશ્રમ, કબીર આશ્રમ, બહેરા-મૂંગા વિદ્યાલય, સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલ, નંદઘેર અને આંગણવાડીના રહેવાસીઓએ તાજેતરમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી સામાન્ય સભામાં કરાયેલા ઠરાવનો વિરોધ કર્યો છે. જે અંગે વોર્ડ નંબર 6ના સભ્યો હિતેશ પટેલ, જતીન કહાર અને ભાર્ર્ગવભાઈ સાથે રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી અને ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડને રજૂઆત કરી હતી. રહેવાસીઓએ અંતિમધામ રહેણાક વિસ્તાર અને ઘરોની નજીક ન બનાવવા માંગ કરી છે. રહેવાસીઓના દાવા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલી કેનાલમાં સતત ગંદુપાણી વહે છે. જેનાથી ગંદાપાણીના લીધે આસપાસના રહેવાસીઓ બિમાર પડે છે અને પીવાના પાણીની પાઇપ પણ ગંદાપાણીમાંથી પસાર થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો