સાબરકાંઠા જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે કેટલાક તત્વો હાનિકારક ચીજવસ્તુઓ તથા રોજિંદી વપરાશમાં ઉપયોગમાં લેવાતા અસલ દૂધને બદલે કેમિકલ યુક્ત નકલી દૂધ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે થોડાક દિવસ અગાઉ જિલ્લા પોલીસ અને સંલગ્ન વહીવટી તંત્ર દ્વારા પ્રાંતિજ તાલુકાના સલાલ રેલવે સ્ટેશન નજીકથી કેમિકલયુક્ત દૂધ બનાવતી ફેકટરીને ઝડપી લીધી હતી. ત્યારબાદ 4 જણા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા થોડાક દિવસોથી સૌરાષ્ટ્રમાં આવેલા ખીજડીયા પંથકમાંથી કેમિકલયુક્ત અને નકલી દૂધ ટેન્કરમાં ભરી અરવલ્લી જિલ્લામાં આવેલી કેટલીક ખાનગી ડેરીઓમાં મોકલાયું હોવાની વિગતો સોશ્યિલ મિડીયામાં વાયરલ થયા બાદ સાબરડેરીના સંચાલકોએ પણ તપાસનો દોર આરંભ્યો છે.

આ અંગે સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલી વિગતો મુજબ, વિસાવદરના ખીજડીયા અને આસપાસના વિસ્તારોમાં કેટલાક તત્વો ભેળસેળવાળુ, કેમિકલયુક્ત, યુરિયા તથા માથું ધોવાના શેમ્પુનું મિશ્રાણ કરી તે દૂધ અરવલ્લી જિલ્લાની કેટલીક ડેરીઓમાં મોકલાયું હોવા છતાં સાબરકાંઠાના સંલગ્ન વિભાગના અધિકારીઓ અજાણ હોય અથવા તો અન્ય કોઈ કારણોસર તેની તપાસ કરી ન હોવાની ચર્ચા બંને જિલ્લામાં શરૂ થઈ છે. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ નકલી દૂધ મોકલનાર અને લેનાર તથા તેને વેચીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ કોણ જાણે કેમ વહીવટીતંત્રથી દૂધ જતાં રહ્યા છે તે તપાસનો વિષય છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ આવ્યું હોવાની વિગતોને આધારે સાબરડેરીના એમ.ડી સુભાષ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતુ. સાબરડેરીના અધિકારીઓ દ્વારા વિગતોની તપાસ કરવામાં આવી છે. પરંતુ તપાસમાં હજૂ સુધી અરવલ્લી જિલ્લામાં કોઈ બનાવટી દૂધનો જથ્થો આવ્યો નથી. તેમ છતાં જો કોઈ ચોક્કસ વિગતો પુરાવા સાથે મળશે તો જરૂર તપાસ કરવામાં આવશે.