સાબરકાંઠા જિલ્લામાં બુધવારથી દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે આવેલા બજારોમાં બુધવારથી પર્વને અનુરૂપ ખરીદી કરવા માટે લોકોએ ધસારો શરૂ કર્યો છે ત્યારે બજારમાં આવેલી મોટાભાગની દુકાનોમાં ગ્રાહકોની અવર જવર વધતા વેપારીઓ ખુશખુશાલ બની ગયા છે. દિવાળીની સાથે- સાથે ગુજરાતી નવું વર્ષ પણ આવશે ત્યારે નવા કપડાથી માંડીને અન્ય ચીજવસ્તુઓની મોટા પાયે ખરીદી કરવામાં આવશે. આસોસુદ બારસને ગુરૂવારથી લાભ પાંચમ સુધી દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે આ પર્વની વચ્ચે ગુજરાતીઓનું નુતનવર્ષ એટલે કે દિવાળીના બીજા દિવસે નવા વર્ષની ઉજવણી કરાતી હોય છે. નાના મોટા સૌના પ્રિય એવા આ તહેવારની ઉજવણી માટે પણ અલગ- અલગ પ્રકારે આયોજન કરવામાં આવતું હોય છે. શહેરમાં આવેલાં નવા બજાર સહિત જુના બજાર તેમજ શહેરની આસપાસ આવેલાં બજારોમાં નગરજનો દ્વારા ફટાકડા, મીઠાઈ, કપડા સહિત દિવાળી પર્વને અનુરૂપે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે.
હાલમાં હિંમતનગર શહેરના મોટાભાગના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે જેમ જેમ દિવાળીના દિવસો નજીક આવી રહ્યાં છે તેમ તેમ ખરીદીમાં પણ જુસ્સો નગરજનોમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં વિવિધ સ્થળો ઉપર ઉભા થયેલાં સેલની પણ નગરજનો મુલાકાત લઈ રહ્યા છે અને સ્કીમનો લાભ લઈને ખરીદી કરી રહ્યાં છે. ધનત્તેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાનું મહત્વ હોય છે. તેને ધ્યાને રાખી શહેરના સોના-ચાંદીના વેપારીઓએ પણ કમ પુરતા પ્રમાણમાં સ્ટોક કરી દીધો છે. શહેરમાં આવેલાં બજારમાં પણ હાલમાં સરકારી કર્મચારીઓની સાથે સાથે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને પોષાય તેવી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાથી આ બજારમાં પણ સવારથી સાંજ સુધી ભારે ભીડ જોવા મળી હતી.
