હિન્દુ શાસ્ત્રોમાં ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ મહિનાને શ્રોષ્ઠ ગણવામાં આવે છે ત્યારે શ્રાવણ માસ શરૂ થયા બાદ પ્રથમ સોમવારે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ રહેવા પામી હતી. જેના લીધે શિવાલયો ભોલેના નાદ સાથે ગુંજી ઉઠયા હતા. પૂજામાં અનેક શ્રાધ્ધાળુઓએ શિવલિંગ પર જળ, દૂધ, બીલીપત્ર અને ફૂલ જેવા દ્રવ્યો અર્પણ કરીને મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરી હતી.
શ્રાવણના પ્રથમ સોમવારે આસ્થાના પ્રતિક સમાન હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ, મહેતાપુરાના ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી શ્રાવણના સોમવારની પૂજા કરવા માટે અનેક શ્રાધ્ધાળુઓ ઉમટી પડયા હતા. કેટલાક શ્રાધ્ધાળુઓએ પરિવારજનો સાથે આવી શિવલિંગ પર અભિષેક કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. ઝરણેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ રહી હતી, જ્યારે ભોલેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ પૂજા-અર્ચના માટે લાંબી લાઈનો લાગી હતી. શ્રાવણ માસ નિમિત્તે મંદિર પરિસરમાં પાર્થેશ્વર પૂજા, ગ્ર્રહ પૂજા સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ રહી છે. શિવ મંદિરોમાં ગૂંજતા મંત્રોચ્ચાર અને ભક્તિગીતોના નાદ વચ્ચે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જિલ્લામાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, પોશીના, વિજયનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક શિવાલયોમાં શ્રાવણીયો સોમવાર હોવાને લીધે નાના ભુલકાઓ, વડીલો, મહિલાઓ સહિત અનેક લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવ્યા બાદ મહાદેવની પ્રદક્ષિણા કરી હતી. જોકે આગામી દિવસોમાં આવનાર ત્રણ સોમવારના દિવસે પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડશે. દરમિયાન રક્ષાબંધન પછી આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લાના અનેક શિવાલયોમાં તથા મંદિરોમાં ભક્ત સમુદાય દ્વારા પૂજા અર્ચના સહિત ભજન સંધ્યાના આયોજનને ઓપ અપાઈ રહયો છે.
