રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ અને બિયરનો જથ્થો અન્ય સ્થળે મોકલવાની હેરાફેરીનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કયોછે. રવિવારે મોડી રાત્રે પ્રાંતિજ તાલુકાના સલાલ ચોકડી નજીકથી દારૂ-બિયર ભરેલી ઈકો અને અન્ય એક કાર ઝડપી પાડી હતી. બંને વાહનોમાંથી દારૂ-બિયરની 801 બોટલ સહિત અંદાજે રૂ.12.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. એસએમસીને મળેલી બાતમીના આધારે ટીમે સલાલ ચોકડી નજીકની હોટલ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન જીજે.18બીડી.1049 નંબરની ઈકો અને જીજે.06 કેડી.3249 નંબરની કારને રોકી તપાસ કરતાં ઈકોમાંથી રૂ.2.54 લાખની કિંમતની દારૂ-બિયરની 801 બોટલ મળી આવી હતી. સાથે આવેલી કારમાંથી બનાવટી નંબર પ્લેટ પણ મળી હતી. આ મામલે એસએમસીએ પ્રાંતિજના ત્રણ, ડુંગરપુરના બે શખ્સો સહિત બંને વાહનોના માલિકો અને ઉદેપુરના ઠેકાના સંચાલક મળી નવ વ્યક્તિઓ સામે પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
