હિંમતનગર રેલવે સ્ટેશનથી પૂર્વ અને પિૃમ વિસ્તારમાં સ્થાનિક રહીશો શાંતિપૂર્ણ રીતે અને ટ્રાફિકની સમસ્યા વગર અવર જવર કરી શકે તે માટે દુર્ગા કોમ્પલેક્ષની પાછળથી પસાર થતી રેલવે લાઈન પર ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે મુખ્યત્વે જયાંથી રેલવે લાઈન પસાર થાય છે તેના ઉપર લોખંડના ગડરો નાખવાના બાકી છે ત્યારે શુક્રવારે 121 ટનના ચાર સ્ટીલના ગડરો મશીનરીની મદદથી લોન્ચ કરવામાં આવશે. આ અંગેની વિગત એવી છે કે, જૂની સિવિલથી છાપરિયા ચાર રસ્તા સુધીનો 700 મીટર લાંબો દુર્ગા રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે ત્યારે રેલવે લાઈનની મધ્યમાં સ્ટીલની ગડરો શુક્રવારે લોન્ચ કરતા અગાઉ ઈજારદાર દ્વારા બંને તરફ ગડર ઉચકવા માટેની ક્રેન ગોઠવી દેવામાં આવી હતી. જેને લઈને સલામતીના ભાગરૂપે આ વિસ્તારમાંથી ગડર લોન્ચીંગની કામગીરી ચાલુ હોય ત્યારે લોકોને અવર જવર ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ગડર રેલવે ફાટક નંબર 82-બી પર મુકાશે. 36 મીટર લાંબા આ ચાર ગડરની એસેમ્બલીંગ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જૂની સિવિલથી રેલવે ફાટક અને છાપરિયા ચાર રસ્તાથી ફાટક સુધી બંને તરફ ઓવરબ્રિજની પેરાફીટ અને કલરકામ સહિતની કામગીરી ચાલી રહી છે. સ્ટીલ ગડર લોન્ચ થયા બાદ આજુબાજુના બાકીના સ્પાનના ગર્ડર પણ મુકાઈ જશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયા પછી ઓવરબ્રિજનું લોકાર્પણ થવાની શકયતા છે. જેથી ઓવરબ્રિજ શરૂ થયા બાદ હિંમતનગરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં તથા પશ્ચિમથી પૂર્વ વિસ્તારમાં અવર જવર કરતા વાહન ચાલકોનો સમય બચશે અને ટ્રાફિકથી રાહત મળશે.
