હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તા નજીક સ્ટોર્મ વોટર પાઇપલાઇન કેનાલમાં જોડી દેવાઈ છે. તો બીજી તરફ મોતીપુરા નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ખોદકામ કરેલા ખાડામાં લીકેજને કારણે પાણી ભરાઈ જતાં આ સર્વિસ રોડ પર દુર્ઘટના થવાની દહેશત વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઈ છે.

હિંમતનગર નગરપાલિકા દ્વારા બેરણા રોડ પર બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાની કામગીરી ત્રણ મહિના પહેલા શરૂ કરાઈ હતી જે હવે પૂર્ણતાના આરે છે, મહાવીરનગર ચાર રસ્તે રોડની બંને બાજુ પાઇપલાઇન નાખવા અને ચેમ્બર બનાવવા માટે ખોદકામ કરાયું હતું. ગુરૂવારે રાત્રે કેનાલમાં પાણી નાખવા માટે ડ્રિલિંગ કરીને દીવાલ કાપી શુક્રવારે પાઇપ લગાવી દેવાઈ છે. પાઇપલાઇન લગાવ્યા બાદ બંને તરફ ખોદકામ કરેલી જગ્યાએ માટીનું પુરાણ કરી દેવાયું છે. જેથી ચોમાસા દરમિયાન ખેડ તસિયા રોડ અને મહાવીરનગર ચાર રસ્તા પર પાણી ભરાય ત્યારે વાહનચાલકોએ સાવચેતી રાખવી જરૂરી બનશે. બીજી તરફ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સહકારી જીનથી સાબરડેરી તરફ જતા સર્વિસ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે ખોદકામ કરવામાં આવ્યું છે. દાલબાટી સામે ચાલી રહેલા આ કામને કારણે ખોદકામ કરેલા ખાડામાં લીકેજથી પાણી ભરાઈ રહ્યું છે. જો વરસાદ પડે તો આ ખાડામાં મોટી દુર્ઘટના થવાની શકયતા નકારી શકાતી નથી.