તલોદઃ સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલના ભાગરૂપે તલોદ અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો બુધવારે કોર્ટના આદેશ અને મેજિસ્ટ્રેટની મંજૂરી બાદ નાશ કરાયો હતો. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વીરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ તથા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પોલીસ અધિક્ષક, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગીય પોલીસ અધિકારી એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 18 ગુનાઓમાંથી 8288 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 26.40 લાખ થાય છે, જ્યારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 24 ગુનાઓમાંથી 54,516 બોટલો, જેની કિંમત અંદાજે રૂ. 1.83 કરોડ થાય છે, એમ કુલ 62,804 બોટલો કિંમત રૂ.2,10,05,434ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમેદની મુવાડી ગામ ખાતે મહિલા ITI પાછળ આવેલી ખરાબાની જગ્યાએ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હાજરીમાં કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો