ચોમાસાની સીઝન ન હોવા છતાં હિંમતનગર, ઈડર, વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા પંથકમાં જોરદાર પવન સાથે ઝાપટુ પડતાં ખેડુતો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. જો આગામી દિવસોમાં કમોસમી વરસાદ થશે તો ખેડુતો માટે આ વખતની દિવાળી બગડી જશે. છેલ્લા બે દિવસથી સાબરકાંઠા જિલ્લાના અનેક ઠેકાણે વાતાવરણમાં આવેલા પલટા બાદ ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે રાત્રે થોડીક ઠંડીનો અહેસાસ થવા માંડયો છે ત્યારે શુક્રવારે સવારથી જ સમગ્ર જિલ્લામાં આકાશ વાદળછાયું રહ્યું હતું. જેના પરિણામ સ્વરૂપે ઈડર, વડાલી, પોશીના, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાને કારણે કેટલાક ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો, તો બીજી તરફ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ પંથકમાં મુખ્ય પાક તરીકે ખેડુતોએ વાવેતર કરેલ ડાંગરની કાપણી કરીને ખેડુતોએ તેને સુકવવા માટે ખેતરોમાં રાખી છે પરંતુ બદલાયેલા વાતાવરણને લઈને વરસાદ થાય તો ડાંગરનો પાક બગડે નહીં તે માટે તાડપત્રી તથા અન્ય પ્લાસ્ટીકનો ઉપયોગ કરીને ડાંગરના ઢગલા પર ઢાંકી દીધા છે. દરમિયાન વરસાદી વાતાવરણને લઈને પ્રાંતિજ માર્કેટયાર્ડમાં અનાજની ખરીદી મોકુફ રખાઈ છે.
