સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની હાપા પ્રાથમિક શાળા (પીએમશ્રી-ગુજરાત)ના આચાર્ય રાજેન્દ્રસિંહ ચંપકસિંહ પરમારને વર્ષ 2026ના પ્રતિષ્ઠિત 'ગુરુ ગૌરવ એવોર્ડ'થી સન્માનિત કરાયા છે. ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ સંચાલિત સાંદી પનિ વિદ્યાનિકેતન, પોરબંદર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર અને પ્રેરણાદાયી કામગીરી કરનાર શિક્ષકોને એનાયત થતો આ રાજ્યસ્તરીય એવોર્ડ આ વર્ષે સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ પરમારને મળતા સમગ્ર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. વર્ષ 2010થી યોજાતા આ એવોર્ડ હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાંથી વર્ષમાં એક શ્રોષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. તા.27મી અને 28મી જુલાઈ, 2026ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદર ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે રાજેન્દ્રસિંહ પરમારને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના ટેક્નિકલ અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, પદ્મશ્રી ડૉ. અનિલ ગુપ્તા, પદ્મશ્રી ડૉ. રતિલાલ બોરીસાગર, ડૉ. વિજય સેવક, ડૉ. વિક્રમભાઈ પટેલ (મુનિ સેવાશ્રામ, ગોરજ), હાજર રહ્યા હતા.
