સાબરકાંઠા જિલ્લામાં બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધા બાદ વરાપ નિકળ્યો છે જોકે જિલ્લાના મોટાભાગના સ્થળે મંગળવારે આકાશ વાદળછાયુ રહેવા પામ્યું હતું તો બીજી તરફ છેલ્લા 24 કલાક દરમિયાન સાબરકાંઠાના આઠમાંથી સાત તાલુકામાં ઝાપટાં પડયા હતા. જે સમયગાળામાં 1 મિમીથી 16 મિમી સુધી વરસાદ પડયો હતો. તેમ છતાં જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયોમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે.
ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ખેડબ્રહ્મામાં 3 મીમી, વિજયનગરમાં 2, વડાલીમાં 1, ઇડરમાં 5, હિંમતનગરમાં 3, પ્રાંતિજમાં 7 અને તલોદમાં 16 મીમી વરસાદ પડયો હતો. જયારે પોશીના તાલુકામાં વરસાદ પડયો નથી. દરમિયાન મંગળવારે આખો દિવસ વરસાદ બંધ રહેતાં ઉઘાડ નિકળ્યો હતો જેથી સૂર્ય પ્રકાશને લીધે ખેતીના પાકોને ફાયદો થશે.
