ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થવા છતાં યોગ્ય માત્રામાં વરસાદ ન પડતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે. સીમ અને વગડા સુમસામ બની રહ્યા છે. ઘાસચારો અને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થતાં ખેડૂતો અને માલધારી વર્ગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન હરિયાળીથી લહેરાતી સીમ આજે પાણીના અભાવે સુકાઈ રહી છે. માલધારીઓ પોતાના પશુધનને બચાવવા અને ચરાવવા માટે રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી વિના ખેતીના કામો પણ અટકી પડયા છે. ખેડૂતો અને પશુ-પાલકોનું કહેવું છે કે, જો આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન નહીં થાય, તો પરીસ્થિતિ વધુ વિકટ બની શકે છે. અત્ર-તત્ર-સર્વત્ર ગ્રામજનોને હવે એક જ આશા સાથે આકાશ તરફ્ મીટ માંડીને બેઠા છે. 'ઘાટ થયા સૂના ને ઉજ્જડ થઈ સીમ, મેઘરાજા વરસી જા વાલા હવે શું કામ કરે છે ઢીલ' જેવી પંક્તિઓ સાથે વહેલામાં વહેલો સારો વરસાદ થાય તેવી કુદરતને પ્રાર્થના કરી રહ્યા છે.
