વડાલીથી ઇડર વચ્ચે આવેલા રાણી તળાવ નજીક આવેલા બકરપુરા ત્રણ રસ્તા પર શુક્રવારે ઈકો અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં ત્રણ જણાને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ 108, ફાયર અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે જઈ ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હિંમતનગર મોકલી આપ્યા હતા. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શુક્રવારે ઈકોમાં સવાર ત્રણ વ્યક્તિઓ ઈડરથી ખેડબ્રહ્મા જતાં હતા. દરમિયાન બકરપુરા ત્રણ રસ્તા પાસે અચાનક સામે ટ્રેક્ટર આવી જતાં બંને વાહનો અથડાયા હતા. ત્યારબાદ થયેલા આ અકસ્માતમાં ઈકોમાં સવાર સુમનબેન વિજયભાઈ સોની (રહે.લુણાવાડા), ચાલક સુફિયાન (રહે.બીલીમોરા) અને સુરેશભાઈ (રહે.બીલીમોરા) ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, ઇડર ફાયર વિભાગ અને ઇડર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે ઇડરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્રણેયને વધુ ઈજા થઈ હોવાથી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો પરંતુ પોલીસે તરત જ વાહન વ્યવહારને યથાવત્ કરી અકસ્માત અંગે ઘટતી કાર્યવાહી શરૂ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો