આગામી દિવસોમાં એક જ મહિનામાં મંગળવારી અમાસ અને મંગળવારી પૂનમનો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે. દરમિયાન માર્ચ મહિનામાં હોળી-ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે ત્યારે જિલ્લામાં હાલ અનેક લોકો બેવડી ઋતુને કારણે સામાન્ય બિમારીમાં સપડાઈ રહ્યા છે. જોકે આ બિમારી ગંભીર ન હોવાને કારણે લોકો સ્થાનિક તબીબ પાસે સારવાર લઈને બિમારીમાંથી મુક્ત થઈ રહ્યા છે.


એક જ માસમાં મંગળવારી અમાસ અને મંગળવારી પૂનમના અનોખા સંયોગ અંગે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના દાવા મુજબ, અમાસ અને પૂનમ જે દિવસે છે તે દિવસે રવિયાગ તથા પુષ્ય નક્ષત્ર હોવાને કારણે તેનું મહત્વ વધારે છે. માર્ચ મહિનામાં તા.3 માર્ચના રોજ હોળી અને ધૂળેટીના મળી બે તહેવાર છે ત્યારે જયોતિષની દ્રષ્ટીએ તા.3 માર્ચ મંગળવાર સુધી હોળાષ્ટક ચાલતા હોવાને કારણે શુભ કાર્યો થશે નહીં. સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ શરૂ કરશે જેથી 3 માર્ચ પછી શુભ કાર્યોની શરૂઆત કરી શકાશે. એક જ મહિનામાં મંગળવારી અમાસ અને પૂનમના યોગને કારણે સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. તે પછીના દિવસોમાં શુભકાર્યો થઈ શકશે એટલે કે, હોળી-ધૂળેટીનું પર્વ પૂર્ણ થયા બાદ શુભ સંયોગ શરૂ થઈ શકે છે. જોકે આ સંયોગને કારણે તથા બે ઋતુ હોવાથી લોકોના શરીરમાં આધિ-વ્યાધિ અને ઉપાધી શરૂ થવાની શક્યતા નકારી શકાતી નથી. ધાર્મિક અનુષ્ઠાન, શાસ્ત્રોક્ત વૈદિક હોળી તરફ પસંદગીનો કળશ ઢોળાય છે. ગામડાઓમાં આજે પણ હોળીની રાત્રે પશુઓના છાણાનો ઉપયોગ કરીને હોળી સળગાવવામાં આવે છે. ત્યારબાદ વડવાઓની માન્યતા મુજબ વડલાનું, ખાખરાનું, શેરડી, સોપારી, બીજોરૂ, આકડો, ખેર, પીપળો, ઉંબરો, ખીજડો તથા દુરવાનો ઉપયોગ કરીને શાસ્ત્રપૂજનની વિધી કરી હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ ગામડાઓમાં યથાવત્ છે. ઉપરાંત ભીમસેનીકપૂર, ગાયનું ઘી, હવન સામગ્રી, સાત પ્રકારના ધાન્ય અને શ્રીફળને પણ હોળીમાં અર્પણ કરવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ તમામ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે તો પ્રગટાવેલી હોળીમાંથી નીકળતી જ્વાળાઓ વાતાવરણને શુદ્ધ કરે છે જે આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણવામાં આવે છે. સાથોસાથ આધિ-વ્યાધિ અને ઉપાધી જેવા હઠીલા રોગોનો નાશ થતો હોવાની માન્યતા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: