વિજયનગર તાલુકાના વજેપુરના એક હવસખોરે અઢી વર્ષ અગાઉ 11 વર્ષની સગીરાને એકાંત સ્થળે લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાની વિગતો જાહેર થયા બાદ સગીરાના વાલી-વારસોએ તત્કાલિન સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસને અંતે ચાર્જશીટ ઈડર કોર્ટમાં રજૂ કરી હતી જેની અંતિમ સુનાવણી શુક્રવારે ઈડર કોર્ટમાં થતાં ન્યાયાધિશે વજેપુરના આ હવસખોરને દોષિત ઠરાવી 20 વર્ષની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, ગત તા.11 જાન્યુઆરી 2024ના રોજ સાંજના સુમારે વજેપુર ગામની એક સગીરા કુદરતી હાજત માટે વાંઘામાં ગઈ હતી ત્યારે ગામમાં રહેતો ચંદ્રકાંત અમરતભાઈ કટારાએ આ સગીરાને ખુલ્લા ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું તેમ છતાં સગીરાએ ઘરમાં કોઈને કહયું ન હતું પરંતુ સગીરાની દાદીએ લોહીવાળા કપડા જોઈએ તરત જ આ સગીરાને હકિકત રજુ કરવા માટે કહયું હતું. ત્યારબાદ સગીરાએ પરિવારજનોને હકિકતથી વાકેફ કર્યા બાદ તરત જ વાલી-વારસોએ ચંદ્રકાંત કટારા વિરૂધ્ધ તત્કાલિન સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ થયા બાદ પોલીસે ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.
