હિંમતનગર પાસે આવેલા ઝહીરાબાદમાં મંગળવારે યોજાયેલી ગ્રામસભામાં વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે હોબાળો થતાં કેટલાક ગ્રામજનોએ સરપંચ અને તલાટી પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતાં ગ્રામસભામાં ગરમાવો આવી ગયો હતો. ત્યારબાદ કેટલાક ગ્રામજનો અને પંચાયતના પદાધિકારીઓએ તરત જ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ બળાપો કાઢયો હતો.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મંગળવારે ઝહીરાબાદ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં તાલુકા કક્ષાએથી આવેલા અધિકારીઓની હાજરીમાં ગ્રામસભાની શરૂઆત થઈ હતી. ત્યારબાદ ગ્રામજનોએ વિકાસ અને ભ્રષ્ટાચારના મુદ્દે સરપંચ અને તલાટીની હાજરીમાં ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ આ મામલો તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પહોંચી ગયો હતો. એક તબક્કે તો ગ્રામજનો અને પદાધિકારીઓ વચ્ચે તુ..તુ.. મેં..મેં.. થતાં ગ્રામસભામાં હોબાળો મચી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. આ ગ્રામસભામાં ગામના યુવાનો મહિલાઓએ હાજર રહીને કેટલાક મુદ્દે રજૂઆત કર્યા બાદ યોગ્ય જવાબ ન મળતાં કેટલાક ગ્રામજનો અને પંચાયતના પદાધિકારીએ ગામમાં પીવાનું પાણી, રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવ સહિત ભ્રષ્ટાચારના ગ્રામજનોના આક્ષેપ તલાટી કમ મંત્રી સરપંચના દબાણમાં હોવાનો અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા.
