સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકા પંચાયતની 19-ટેબડાની પેટા ચુંટણી અન્વયે મંગળવારે સવારે 7થી સાંજના 6 કલાક સુધી બેઠકમાં આવતા પાંચ બુથ પર મતદાન યોજાયું હતું જેમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ મતદારો 3492 પૈકી 2744 મતદારોએ શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. મતદાનના દિવસે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

આ અંગે ચૂંટણી શાખામાં સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, મંગળવરે પોશીના તાલુકા પંચાયતની ટેબડા બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ બેઠકમાં આવતાં ખરણીયા, પોલાપણ, દેડકા, ટેબડા-1 અને ટેબડા-2 બુથ પર મતદાન શરૂ થયું હતું. સવારે 7 થી 9 વાગ્યા સુધીમાં 347, 9 થી 11 સુધીમાં 828, 11 થી 1 વાગ્યા સુધીમાં 668, 3 વાગ્યા સુધીમાં 635 અને સાંજે 5 વાગ્યા સુધીમાં અંદાજે 270 સ્ત્રી અને પુરુષ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં બાકી રહેલા મતદારોને મતદાન કરવા માટે લાવવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.