સાબરડેરી અને સાબરકાંઠા બેંકમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી કરવા માટે તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામા બાદ બંને સંસ્થાઓમાં સંભવિત ડિરેકટરોના અભિપ્રાય લેવા માટે ત્રણ દિવસ અગાઉ હિંમતનગરના નવા સર્કીટ હાઉસમાં સેન્સ પ્રક્રિયા કરાઈ હતી ત્યારે તેમાં બંને સંસ્થાના કેટલાક ડિરેકટરોએ પોતાનું ધાર્યું કરાવવા માટે ભજવેલી ભૂમિકા બાદ કમલમ્ તથા સરકારમાં બેઠેલા મંત્રીઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા, ત્યારબાદ પ્રદેશના અગ્રણીઓએ રૂબરૂ મુલાકાત માટે કહેણ મોકલ્યું હતું પરંતુ કેટલાક ડિરેકટરોએ તત્કાલિન સમયે આપેલો જવાબ અને પ્રતિક્રિયાથી ભાજપની આબરૂ જાય નહીં તે આશ્યથી ગુરૂવારે બપોર બાદ બંને સંસ્થાઓની ચૂંટણી મોકુફ રાખવાની જાહેરાત કર્યા બાદ તેનો પરિપત્ર પણ મોકલી આપવામાં આવ્યો હતો. જગજાહેર વાત હોવા છતાં કેટલાક સહકારી અગ્રણીઓએ અમારી પાસે કોઈ વિગત નથી તેમ કહીંને જવાબ આપવાનો નન્નો ભણી દીધો હતો, તો બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં બંને સહકારી સંસ્થાઓમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગીના મુદ્દે સરકારે લીધેલા નિર્ણય બાદ અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ ચુકી છે. જેના કારણે સહકારી અગ્રણીઓ માટે દિવાળીનો તહેવાર જાણે કે શોકમાં પલટાઈ ગયો હોય તેમ આ ડિરેકટરોએ જાહેરમાં દેખાવાનું બંધ કરી દીધુ હોવાનું સૂત્રોનું કહેવું છે. છેલ્લા ઘણા વર્ષો અગાઉ સાબરકાંઠાના અગ્રણીઓએ જિલ્લાની પ્રજાનું હિત વિચારીને સાબરડેરી અને સાબરકાંઠા બેંકની સ્થાપના કરી હતી. ત્યારબાદ કાળક્રમે બંને સહકારી સંસ્થાઓનું સુકાન બંને જિલ્લાના અગ્રણીઓના હાથમાં આવી ગયું હતું. તે પછી બંને સંસ્થાનો વિકાસ થાય કે ન થાય તેની પરવા કર્યા વિના સહકારી સંસ્થાઓના માધ્યમથી જેટલો ભ્રષ્ટ્રાચાર થાય તેટલો કરી લેવાના કારસો ગોઠવાયો હતો. જેમાં ભરતી હોય કે ખરીદી, તેમાં સગાવાદ ચલાવીને આ બંને સહકારી સંસ્થાઓમાં ચૂંટાતા ડિરેકટરોએ મોટા માથાના સહકારી અગ્રણીઓ અને નેતાઓને સમજાવી દઈને ભ્રષ્ટ્રાચાર શરૂ કર્યો હતો જે આજે પણ અટકયો નથી. દરમિયાન બંને સંસ્થાઓમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં લાંબા સમય સુધી તેનું જાહેરનામું પ્રસિધ્ધ ન કરતાં ખુદ ડિરેકટરોમાં ચણભણાટ શરૂ થયો હતો. આખરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ડિરેકટરોમાં પદની ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી જે અંગે છેલ્લા ત્રણેક દિવસથી થઈ રહેલી હિલચાલને લઈને બંને જિલ્લાના દૂધ ઉત્પાદકો અને આમ પ્રજા પણ સહકારી સંસ્થાઓમાં હોદ્દો ભોગવતાં ડિરેકટરોની પ્રવૃત્તિઓથી વાકેફ થયા બાદ હવે પ્રજા એવું કહી રહી છે કે, સહકારી સંસ્થાઓમાં જે કોઈ ચૂંટાય છે તે સંસ્થાના હિતને બદલે પોતાનું હિત વધુ જુએ છે, ત્રણ દિવસથી બની રહેલા ઘટનાક્રમ પરથી પ્રજા એવા તારણ પર આવી છે કે જો સહકારી સંસ્થાઓને બચાવવી હોય અને પ્રજાના હિતમાં તેમને જીવતી રાખવી હોય તો સરકારે આ બંને સંસ્થાઓમાં હાલ પુરતું વહીવટદારનું શાસન લાગુ કરવું હિતાવહ છે. એક તરફ ડિરેકટરોની મનમાની અને બીજી તરફ ભાજપ તથા સરકાર અને સંગઠનની પ્રતિષ્ઠાને ઝાંખપ ન લાગે તે માટે કદાચ આગામી દિવસોમાં આ બંને સંસ્થાઓના બોર્ડનું વિસર્જન કરી દેવામાં આવે તો નવાઈ નહી, હાલ તો સાબરકાંઠા અને અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં સાબરડેરી અને સાબરકાંઠા બેંકની ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચુંટણીને લઈ અનેક વિધચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે કેટલાક જાણકારોનું કહેવું છે કે આ મામલે ખુદ દિલ્હીમાં બેઠેલા પક્ષના તથા સરકારના મોભીઓને રજેરજની માહિતી પહોંચી ગઈ છે. જેથી હવે પછી આ બંને સંસ્થાઓમાં ચુંટણી કયારે યોજાશે તેનો નિર્ણય કરવા માટે રાજય સરકાર તથા સંગઠનના પદાધિકારીઓ સો વખત વિચાર કરીને નિર્ણય કરશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો