ઈડર ટાઉનહોલમાં શનિવારે સેવા સંકલ્પ 2026 અભિયાન અંતર્ગત સેવા અને સમર્પણ કાર્યક્રમની ઈડર વિધાનસભા ક્ષેત્ર માટે કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળા યોજવા પાછળનો ઉદ્દેશ એ છે કે, તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના જન્મદિવસથી 17 ઓક્ટોબર સુધી 25 વર્ષના સેવા સંકલ્પના ભાગરૂપે વિવિધ સેવાકીય અને જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. કાર્યશાળામાં પ્રદેશ મંત્રી ર્ડા.સંજય દેસાઈ, ભાજપ પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, જિલ્લા ભાજપ મહામંત્રી બિપીન ઓઝા, જિલ્લા સાંસદ, ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડર ધારાસભ્ય રમણ વોરા, ઈડર તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, શહેર પ્રમુખ કૃણાલ કંસારા, નગરપાલિકા પ્રમુખ અનુસૂયાબેન પટેલ, કમલેશ બારોટ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
સેવા સંકલ્પ 2026 અંતર્ર્ગત 13 વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડનગરથી વારાણસી બાઈક રેલી, 25 કરોડ બાળકોના સપનાનું ભારત રાષ્ટ્રવ્યાપી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, શાળાઓમાં ઇનામ વિતરણ, 'નમો સેવા ગાથા' અંતર્ર્ગત નરેન્દ્ર મોદીના જીવનચરિત્ર પર નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આંગણવાડી ઉત્સવ, સેવાસેતુ તથા આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને કામગીરી કરવા જણાવાયું હતું. તા.17 ઓક્ટોબરે આશીર્વાદનો દીવડો કાર્યક્રમ અંતર્ર્ગત યોજનાઓનો લાભ મેળવનાર પરિવારોના ઘરે દીવડો પ્રગટાવવાનો કાર્યક્રમ પણ યોજાશે. કાર્યશાળામાં ઈડર-વડાલી વિસ્તારના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
