પોશીનાઃ તારંગા હિલ - અંબાજી - આબુરોડ નવી બ્રોડગેજ રેલવે લાઈન પ્રોજેક્ટની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ પોશીના તાલુકાના કોલંદ ગામે આ પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલા ભારે બોમ્બ બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્લાસ્ટિંગના કારણે ગામલોકોના મકાનો અને ખેતીને વ્યાપક નુકસાન થઈ રહ્યું હોવાની લેખિત રજૂઆત સાથે કોલંદ ગામના સમસ્ત ગ્રામજનોએ પોશીનાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વિના મોટા પ્રમાણમાં બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટિંગ એટલું તીવ્ર હોય છે કે, આશરે 500 મીટર સુધી મોટા પથ્થરો હવામાં ઊડીને સીધા રહેણાંક વિસ્તારોમાં પડે છે. જેના કારણે અનેક મકાનોના પતરા, દીવાલો અને અન્ય ભાગો તૂટી ગયા છે. અચાનક થતા આ ગગનભેદી ધડાકાઓને કારણે ગામના કેટલાય પરિવારો અને માસૂમ બાળકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો