સાબરકાંઠા જિલ્લાની ગાંભોઈ પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે મોટી કાર્યવાહી કરી છે. ફિલ્મી દ્રશ્યો સર્જાય તે રીતે પોલીસે દારૂ ભરેલી પીકઅપ વાનનો પીછો કરીને તેને ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને વાહન ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે અવનવા નુસખા અપનાવતા હોય છે.

કુલ 1476 બોટલ અને ટીન જપ્ત કરાયા

આ કિસ્સામાં પણ, પીકઅપ વાનમાં દારૂની હેરાફેરી કરવા માટે ખાસ ગુપ્ત ખાનું (Special Cavity) બનાવવામાં આવ્યું હતું. ઉપરથી જોતા વાન ખાલી લાગે, પરંતુ અંદર વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવેલો હતો. ગાંભોઈ પોલીસે આડા હાથરોલ પાસે વોચ ગોઠવી હતી, પરંતુ ચાલકે વાહન ન રોકતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને અંતે બામણા ગામ પાસેથી વાન ઝડપી પાડી હતી.

ગાભોઇ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી

પોલીસે પીકઅપ વાનની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં નશીલો જથ્થો મળી આવ્યો હતો: કુલ 1476 બોટલ અને ટીન (કિંમત રૂ.5.20 લાખ). પીકઅપ વાન સહિત કુલ રૂ.10.20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ મામલે ગાંભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો