સાબરકાંઠા જિલ્લામાં અસહ્ય ગરમીની સાથે હવે ખેડૂતો માટે અગ્નિદેવ પણ પડકાર બનીને આવ્યા છે. હિંમતનગર તાલુકાના બેરણા ગામે વીજ તણખલાને કારણે ઘઉંના તૈયાર પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખેતરમાં લહેરાતો સોના જેવો ઘઉંનો પાક ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ જતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વીજ તણખલાએ વેર્યો વિનાશ
ઘટનાની મળતી માહિતી મુજબ, બેરણા ગામના ખેડૂત સાગર નટવરભાઈ પટેલના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો અને તેની લણણી કરવાની બાકી હતી. આ દરમિયાન, ખેતર પરથી પસાર થતી વીજ લાઈનમાંથી અચાનક તણખલા ઝર્યા હતા. સૂકા ઘઉંના પાકમાં આ તણખલા પડતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગ આખા ખેતરમાં પ્રસરી ગઈ હતી અને તૈયાર પાકને લપેટમાં લઈ લીધો હતો.













