લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે, અને સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વાવાઝોડા જેવા પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થતાં સમગ્ર પંથકનું વાતાવરણ પલટાઈ ગયું છે. મેઘરાજા મન મૂકીને વરસતા સ્થાનિક લોકો સહિત ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
અંતરિયાળ ગામોમાં પણ નોંધપાત્ર વરસાદ
પોશીના મુખ્ય મથક ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે. પંથકના લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા અંતરિયાળ ગામોમાં પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લાંબા સમયની રાહ જોયા બાદ ખાબકેલા આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મળી રાહત
છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિક લોકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠ્યા હતા. જોકે, અચાનક વાતાવરણમાં આવેલા પલટા અને વરસાદી ઝાપટાંને કારણે સમગ્ર પંથકમાં ગુલાબી ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી લોકોને ગરમીથી મોટી રાહત મળી છે.
ખેતી માટે વરસાદ 'કાચું સોનું' સાબિત થશે
આ વરસાદથી સૌથી વધુ ખુશી જગતના તાત એવા ખેડૂતોના ચહેરા પર જોવા મળી રહી છે. ધરતીપુત્રોના મતે આ વરસાદ આગામી ખેતીના વાવેતર માટે આશીર્વાદરૂપ અને 'કાચા સોના' સમાન સાબિત થશે. પાક માટે આ વરસાદ અત્યંત લાભદાયી હોવાથી ખેડૂતો હવે બમણા ઉત્સાહ સાથે ખેતીના કામોમાં જોતરાઈ ગયા છે.
આ પણ વાંચો - Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી









