પોશીના : તા. 9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાબરકાંઠા અને અરાવલીના સરહદી વિસ્તાર એવા લાંબડિયા ખાતે આદિવાસી સમાજનો ભવ્ય અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. પોશીના, લાંબડિયા, કોટડા, દિલવાડા અને ખેરોજ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો અને યુવાનો પોતાના પરંપરાગત પોશાક અને વાજિંત્રો સાથે ઉત્સવ મનાવવા માટે ઉમટી પડયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એક વિશાળ જનજાગૃતિ અને સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી એકતા ઝિંદાબાદના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠયો હતો. આ રેલીમાં સમાજના રીત-રિવાજો, કળા અને પરંપરાની સુંદર ઝાંખી જોવા મળી હતી. રેલી બાદ લાંબડિયા સ્થિત પારસ હાઈસ્કૂલના પ્રાંગણમાં મુખ્ય સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તાઓએ આદિવાસી સમાજના જળ, જંગલ અને જમીનનાઅધિકારો, શિક્ષણનું મહત્વ તેમજ સંસ્કૃતિના જતન અંગે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા. સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં એકતા અને સ્વાભિમાનનો નવો સંચાર કર્યો હતો.
