હિંમતનગરમાં સોમવારે જિલ્લા કક્ષાના જ્ઞાન સહાયકો માટે શાળા પસંદગી કેમ્પનો પ્રારંભ થયો હતો. કેમ્પમાં જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 378 જગ્યાઓ માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. કેમ્પમાં રજિસ્ટ્રેશન બાદ જ્ઞાન સહાયકોના બે વિભાગમાં વેરિફિકેશન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવાયા મુજબ બેરણા-કાંકરોલ રોડ પર આવેલી ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલના સત્વમ ભવન ખાતે સોમવારે કેમ્પ શરૂ થયો હતો. જિલ્લામાં માધ્યમિક વિભાગમાં 157 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 221 જ્ઞાન સહાયકોની જગ્યાઓ નક્કી કરાઈ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જગ્યાઓ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન અને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેરિટ પ્રમાણે પસંદગીની કાર્યવાહી કરાશે, જેના પરિણામો મોડી રાત્રે જાહેર થઈ શકે છે. આ જ સ્થળે 22 અને 24 જુલાઈના રોજ કેમ્પ યોજાશે, જેમાં શાળા પસંદગી કરવામાં આવશે.
