સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બુધવારે રાત્રે પડેલા પ્રથમ વરસાદે જ નગરપાલિકાની કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના કાંકણોલ રોડ અને આસપાસની સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ગુરૂવારે સવારથી જ રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટીઓ અને રોડના નિર્માણ વખતે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાતાં દર ચોમાસે આ સ્થિતિ સર્જાય છે. અગાઉ પાલિકા અને પંચાયતમાં વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી, જેથી લોકો હવે વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે.
બીજી તરફ્, પાલિકાના વોર્ડ નં. 5માં આવેલી ઋષિનગર સોસાયટી પાસે છેલ્લા બે મહિનાથી પાણીની પાઈપલાઈન લીકેજ હોવાથી રોજેરોજ કિંમતી પાણીનો વ્યય થઈ રહ્યો છે. આ ઉપરાંત, ઇન્દ્રનગર વિસ્તારના મુખ્ય રસ્તા પર ગટર ઉભરાવવાની કાયમી સમસ્યાથી આસપાસના ખુલ્લા પ્લોટોમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે. આ અંગે પાલિકાની હેલ્પલાઈન પર ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જોકે, ચીફ્ ઓફ્સિર ઉપેન્દ્ર ગઢવીએ દાવો કર્યો છે કે ફરિયાદ મળ્યા બાદ ગટર વિભાગના કર્મચારીઓએ સ્થળ પર જઈને સફાઈ કામગીરી કરી દીધી છે. સ્થાનિકોની માંગ છે કે સત્તાધીશો આળસ છોડી ચોમાસાપૂર્વે સમસ્યાઓનો હકારાત્મક નિકાલ લાવે.










