સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામની સીમમાંથી પસાર થઈ રહેલી એક મુસાફરોથી ભરેલી રિક્ષાને કાળ બનીને આવેલી એક કારે એટલી જોરદાર ટક્કર મારી હતી કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 3 મહિલાઓ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.
ગઈકાલની દુર્ઘટના પછી પણ સ્પીડ પર કાબૂ નહીં
નોંધનીય છે કે, હજુ ગઈકાલે જ સાબરકાંઠામાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને 15 જેટલા મુસાફરો લોહીલુહાણ થયા હતા. આ ઘટનાના માત્ર 24 કલાકની અંદર જ આજે બીજો મોટો અકસ્માત થતાં સ્થાનિક તંત્રના પ્રી-સેફ્ટીના દાવાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. આજની ઘટનામાં ભોગ બનનાર મહિલાઓ મજૂરી અથવા પોતાના ઘરના કામે જઈ રહી હતી ત્યારે જ રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાઈવે પર દોડી આવ્યા હતા અને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.










