સાબરકાંઠાના હિંમતનગરમાં બેંક ખાતું ભાડે આપીને આચરવામાં આવતા હાઈટેક સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. લાલચુ લોકોના બેંક ખાતા મેળવી દેશભરના નાગરિકો સાથે લાખોની છેતરપિંડી કરતી ટોળકીના બે સાગરીતોને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધા છે.
બેંક ખાતું ભાડે આપીને સાયબર ફ્રોડ
આ આખું કૌભાંડ ખૂબ જ વ્યવસ્થિત આયોજન સાથે પાર પાડવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસની તપાસ મુજબ પાટણ જિલ્લાના સમીના કાળીશેરી ગામના વિપુલ શંકરભાઈ ચૌધરીએ હિંમતનગરની SBI શાખામાં ખાતું ખોલાવ્યું હતું.વિપુલે હારીજના કહરા ગામના કિરણ લક્ષ્મણભાઈ ચૌધરી દ્વારા આ ખાતું ભાડે આપવાનું નક્કી કર્યું.આ ખાતું અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા સાગર અમરતીયા પટેલને સોંપવામાં આવ્યું હતું, જે સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર હોવાનું મનાય છે.
કઈ રીતે આચરવામાં આવ્યું કૌભાંડ?
આ ટોળકી સોશિયલ મીડિયા દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોના લોકોને શિકાર બનાવતી હતી. વિવિધ લાલચો આપીને લોકો પાસેથી રકમ પડાવવામાં આવતી અને તે નાણાં વિપુલ ચૌધરીના ભાડે લીધેલા બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. અંદાજે ₹7,80,355 જેવી રકમ આ ખાતા દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ એક્શન અને રિમાન્ડ
સાયબર ક્રાઈમ પોલીસ કોન્સ્ટેબલ નિરપાલસિંહની ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. મુખ્ય આરોપી વિપુલ ચૌધરીને પકડી પાડવામાં આવ્યો છે અને કોર્ટે તેના 19 જાન્યુઆરી (સોમવાર) સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રવિવારે પોલીસે વચેટિયા કિરણ ચૌધરીને પણ ઝડપી લીધો છે. મુખ્ય સૂત્રધાર સાગર પટેલ અને આ કૌભાંડના અન્ય તાર મેળવવા પોલીસ મથામણ કરી રહી છે.
આ પણ વાંચો: વેરાવળ પોલીસની ફ્લેશ કામગીરી, હોસ્પિટલમાંથી બાઈક ચોરનાર તસ્કર જૂનાગઢથી ઝડપાયો