ઈડર તાલુકાના કાનપુર ગામમાં આજે એક અત્યંત હૃદયસ્પર્શી ઘટના બની છે, જ્યાં એક વૃદ્ધ દંપતીએ એકબીજાના વિરહમાં માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં પોતાના પ્રાણ ત્યાગીને જીવનભરનું વચન નિભાવ્યું છે.
સાબરકાંઠામાં પતિના વિરહમાં પત્નીનું મોત
મળતી માહિતી મુજબ, કાનપુર ગામના 65 વર્ષીય મણીભાઈ નાથાભાઈ પટેલ (મણીદાદા)નું વહેલી સવારે નિધન થયું હતું. દાદાના મૃત્યુના આ સમાચારથી તેમના 68 વર્ષીય પત્ની શાંતાબેનને ઘેરો આઘાત લાગ્યો હતો. 65 વર્ષના લાંબા દામ્પત્ય જીવન બાદ પતિના અચાનક વિયોગથી શાંતાબેન શોક સહન ન કરી શક્યા.
ઇડર તાલુકાના કાનપુરમાં હૃદયસ્પર્શી ઘટના
પરિવારજનો અંતિમવિધિની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં જ માત્ર એક કલાકના સમયગાળામાં પત્ની શાંતાબેનને પણ હૃદયનો હુમલો (હાર્ટ એટેક) આવ્યો અને તેમનું પણ અવસાન થયું. આ રીતે, 65 વર્ષીય મણીદાદા અને 68 વર્ષીય શાંતાદાદીએ ‘સાથે જીવીશું અને સાથે મરીશું’નું વચન જાણે સાચે જ નિભાવ્યું હોય તેવા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
પતિ-પત્નીના મોતને પગલે પરિવારમાં શોક
આ કરુણ ઘટનાથી 65 સભ્યોનું વિશાળ સંયુક્ત કુટુંબ અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ગામમાં એકસાથે પતિ-પત્નીની અર્થી ઉઠાવવામાં આવી હતી. કાનપુર ગામના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે પતિ-પત્નીની અંતિમયાત્રા નીકળી હતી અને તેમને એકસાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ ભાવુક અને કરુણ દ્રશ્યો જોઈને આસપાસના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.