ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઇન્ડિયા (ICAI)દ્વારા જાહેર કરાયેલા જૂન-2026ના પરિણામોમાં જંબુસર તાલુકાના ટંકારી ગામના યુવક તારિક યુનુસ ભુદરાએ પ્રથમ જ પ્રયાસમાં CA ફાઇનલ પરીક્ષા સફ્ળતાપૂર્વક પાસ કરી ગામ અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.
તારિક યુનુસ ભુદરાની આ સિદ્ધિ પાછળ તેમના વર્ષો સુધીના અથાગ પરિશ્રામ, ધૈર્ય અને સતત અભ્યાસનું મહત્વનું યોગદાન રહેલું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાદ જંબુસરની એચ.એસ. શાહ હાઇસ્કૂલમાંથી ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ એમ.એસ. યુનિવર્સિટીમાંથી બી.કોમ.ની ડિગ્રી પ્રાપ્ત કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્ષેત્રે આગળ વધવાનું લક્ષ્યનક્કી કર્યું હતું. તે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સ્વતંત્ર રીતે અભ્યાસ કરીને CAની વિવિધ પરીક્ષાઓ સફ્ળતાપૂર્વક પાર કરી હતી. અંતે પ્રથમ પ્રયાસમાં જ CA ફાઇનલ પરીક્ષા પાસ કરી છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનો, મિત્રો તેમજ ગામલોકોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. તારિક ભુદરાની સફ્ળતામાં તેમના પરિવારજનોનું વિશેષ યોગદાન રહેલું છે. તેમણે માતા-પિતાને જીવનની મજબૂત પાયાની બેકબોન ગણાવી તેમની પ્રેરણા અને સહયોગને આ સફ્ળતાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. ટંકારી ગામમાંથી પ્રથમ વખત કોઈ યુવક CA બનતાં ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ગામના આગેવાનોએ તેને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.










