જંબુસર તાલુકાના અણખી, જાફરપુરા, વાવલી, સહિતના અનેક ગામોના ખેડૂતો પોતાના ખેતરોમાં પાવરગ્રીડ કંપની દ્વારા ઉભા કરાયેલા હાઈટેન્શન ટાવરોના વળતરથી હજુ સુધી વંચિત રહેતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી અસરગ્રસ્તોને યોગ્ય અને સમયસર વળતર ચૂકવવાની માંગ કરાઈ હતી.
મળતી માહિતી મુજબ હાલ મા પાવરગ્રીડની 750 કે.વી. હાઈટેન્શન લાઈનની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી અંતર્ગત અનેક ખેડૂતોના ખેતરોમાં મોટા ટાવરો ઉભા કરાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, તેમની જમીનમાં ટાવરો ઉભા કરવામાં આવ્યા હોવા છતાં કંપની દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારનું યોગ્ય વળતર ચૂકવાયું નથી, જેના કારણે તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. બેઠકમાં ઉપસ્થિત ગજેરા ગામના ખેડૂત પ્રવીણભાઈ પટેલ તેમજ અણખી ગામના ખેડૂત વિકાસ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોની સંમતિ અને વળતર વિના કરાતી કામગીરી યોગ્ય નથી. કંપની દ્વારા ખેડૂતોના હિતોને અવગણવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ કરાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે જો યોગ્ય વળતર નહીં ચૂકવાય તો આગામી દિવસોમાં તેઓ ખેતરોમાં પાવરગ્રીડ કંપનીની કામગીરી થવા દેશે નહીં. જરૂર પડયે ખેડૂતો એકજૂથ થઈને આંદોલનનો માર્ગ પણ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂતોના હક્ક અને હિતોની રક્ષા માટે લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.










