આમોદ તાલુકાના નાહિયેર ગામ સ્થિત હઠીલા હનુમાનજી મંદિર ખાતે પાવરગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતના ખેડૂતોની બેઠક યોજાઈ હતી.બેઠકમાં સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલ તથા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ઉપસ્થિત રહી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

ખેડૂતોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ અંગે તાત્કાલિક સ્પષ્ટ લેખિત નિર્ણય જાહેર કરે તથા અસરગ્રસ્ત તમામ ખેડૂતો ને કાયદા મુજબ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાની માંગણી કરી હતી. ખેડૂતોએ એક સુરે જણાવ્યું હતું કે હવે માત્ર મૌખિક આશ્વાસનો ખેડૂતોને સ્વીકાર્ય નથી.ખેડૂત આગેવાનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક અને લેખિત નિર્ણય લેવામાં નહીં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉગ્ર અને વ્યાપક લોકશાહી આંદોલનનો માર્ગ અપનાવશે. આ બેઠકમાં ખેડૂત આગેવાનો જયેશ પટેલ,આમોદ તાલુકાના ખેડૂત આગેવાન હરિરામ પટેલ સહિત ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.