જંબુસરના વતની અને પરિવાર સાથે સાઉથ આફ્રિકાના પિટોરિયા શહેરના લોડિયમ ખાતે પરીવાર સાથે રહી વ્યવસાય કરતા આસિફ્ ઘાસિયાનું અપહરણ થયાના અહેવાલથી જંબુસર ખાતે રહેતા તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર બુધવાર 26 ઓગસ્ટના રોજ સાંજે આસિફ્ ઘાસિયા પોતાના વ્યવસાયિક સ્થળ ટેમ્બિસાથી પિટોરિયા શહેરના લોડિયમ ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને પરત ફરી રહ્યા હતા ત્યારે પોલીસ યુનિફોર્મમાં સશસ્ત્ર્ર શખ્સોએ તેમની કારને અટકાવી અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. મળતી વિગતો મુજબ, આસિફ્ ઘાસિયા સાંજે આશરે 6.30 વાગ્યાના અરસામાં પોતાના ત્રણ કામદારો સાથે કારમાં ટેમ્બિસાથી લોડિયમ તરફ્ જઈ રહ્યા હતા. રસ્તામાં પોલીસના ગણવેશમાં ઉભેલા ત્રણ શખ્સોએ તેમની કાર અટકાવી તેમાં સવાર વ્યક્તિઓ પાસે સાઉથ આફ્રિકાના જરૂરી દસ્તાવેજો બતાવવાની માંગણી કરી હતી. પ્રાથમિક રીતે સમગ્ર ઘટના પોલીસની નિયમિત દસ્તાવેજ ચકાસણી જેવી જણાતી હતી.

ત્રણેય વ્યક્તિઓના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આસિફ્ ઘાસિયા પોલીસના ગણવેશમાં રહેલા શખ્સો સાથે વાતચીત કરવા માટે પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતા. આ દરમિયાન અચાનક અન્ય એક કાર ત્યાં આવીને ઊભી રહી હતી. ત્યારબાદ આસિફ્ ઘાસિયાને બળજબરી પૂર્વક બીજી કારમાં બેસાડવામાં આવ્યા અને તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે. આસિફ્ ઘાસિયા જંબુસરના વતની હોવાથી તેમના અપહરણના સમાચાર મળતા જ જંબુસરના પરિવારજનો, સગાસંબંધીઓ અને પરિચિતોમાં ચિંતા વ્યાપી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો