જંબુસર : જંબુસર નગર અને તાલુકામાં અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. પર્વને લઈને નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મંદિરો, સોસાયટીઓ અને વિવિધ ધાર્મિક સ્થળોએ વિશેષ કાર્યક્રમો યોજાયા હતાં. પંથકમાં નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી...ના જયઘોષથી ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. જન્માષ્ટમી નિમિત્તે વિવિધ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણની આકર્ષક શણગાર સાથે પૂજા-અર્ચના, આરતી તેમજ મહાથાળ ના કાર્યક્રમો યોજાયા હતા. મધરાત્રીના શુભ સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. જન્મ સમયે ભક્તોએ જયઘોષ કરી વાતાવરણને ગજવી દીધું હતું. ભક્તોએ લાલા કાનાને પારણે ઝૂલાવી જન્મોત્સવ વધાવ્યો હતો. જંબુસર નગરના શ્યામલાલ મંદિર, સાંઈ મંદિર, પિશાચેશ્વર મહાદેવ મંદિર, વૃંદાવન સોસાયટી, ગાયત્રીનગર કૃષ્ણ મંદિર, શિવનગર સોસાયટી તથા ઓમકારનગર સોસાયટી સહિતના વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી કરાઈ હતી. મહિલા મંડળોએ કૃષ્ણભક્તિ ના ગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી. મહિલાઓએ પરંપરાગત રીતે ભક્તિ ગીતો ગાઈ ગોપાલને પારણે ઝૂલાવી જન્મોત્સવની ઉજવણી કરી હતી. સ્વાધ્યાય પરિવાર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને સંદેશને ઉજાગર કરતા નાટયપ્રયોગો તેમજ મટકી ફોડના કાર્યક્રમો યોજાયા હતા. સારોદ ગામે પણ શ્રીકૃષ્ણ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ અને ડી.જે.ના તાલે યુવાનો સહિત સૌ કોઈ ભક્તિના રંગે રંગાયા હતા. ગામમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો