જામનગર શહેરને પીવાનું પાણી આપતા ચાર પૈકીના ત્રણ ડેમોમાં જુલાઈ માસના અંત સુધી જ ચાલે તેટલું પાણી છે. ત્યારે શહેર ઉપર તોળાતા જળ સંકટને નિવારવા મ્યુ. તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે પાણીનો વધારાનો જથ્થો મંગાયા બાદ સૌની યોજના મારફત આગામી દિવસોમાં પાણીનો માતબર જથ્થો એટલે કે, 550 એમસીએફટી પાણી જામનગરની જીવાદોરી સમાન સસોઈ, ઉંડ-1 અને આજી-3 ડેમોમાં ઠલવાશે. જામનગરની 7 લાખની વસ્તીની પાણીની માંગને પહોંચી વળવા મહાનગરપાલિકાની વોટર વર્ક્સ શાખા દરરોજ 150 એમએલડી પાણી આપવા માટે રણજીતસાગર ડેમમાંથી 45 એમએલડી, ઉંડ-1 ડેમમાંથી 35 એમએલડી, સસોઈ ડેમમાંથી પચ્ચીસ એમએલડી, આજી-3 ડેમમાંથી 3પ એમએલડી અને ખુટતા 10 એમએલડી નર્મદાની લાઈનમાંથી લે છે. વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિની વાત કરીએ તો રણજીતસાગર ડેમમાં હાલ 17 ફુટ પાણી છે. જે આગામી ઓગસ્ટ માસના અંત સુધી ચાલે તેમ છે. પરંતુ તે સિવાયના ઉંડ-1માં 3.1 ફુટ (7 ટકા), સસોઈ ડેમમાં સાડા વન ફુટ (16 ટકા), આજી-3 ડેમમાં 8 ફુટ (15 ટકા) પાણીનો જથ્થો છે. આ ત્રણેય ડેમોનો જથ્થો માત્ર તા.31 જુલાઈ સુધી જ ચાલે તેમ છે. તેથી મહાનગરપાલિકાના તંત્રએ આજી-3માં 200 એમસીએફટી, ઉંડ-1માં 200 એમસીએફટી અને સસોઈ ડેમમાં 150 એમસીએફટી પાણીની માંગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો