ગલ્ફ દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે જામનગરના પ્રખ્યાત બ્રાસ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ LPG ગેસના બાટલાની અછત સર્જાતા અનેક નાના અને મધ્યમ ઉદ્યોગ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. જ્યારે કેટલાક એકમોને કામકાજ તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી છે.જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુખ્યત્વે આયાત નિકાસ પર આધારિત છે.


બ્રાસ ઉદ્યોગના અંદાજે 9000થી વધુ એકમો કાર્યરત

બ્રાસના વિવિધ ભાગો અને ઉત્પાદનો બનાવવા માટે LPG ગેસ મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત હોવાથી તેની અછત સીધી રીતે ઉત્પાદન પર અસર કરી રહી છે. ખાસ કરીને નાના ઉદ્યોગકારોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગેસના બાટલા સમયસર ન મળતા અનેક મશીનો બંધ પડી ગયા છે અને ઉત્પાદન પ્રક્રિયા અટકી ગઈ છે.જેના કારણે કારખાનાઓમાં કામ કરતા મજૂરોના રોજગાર પર પણ અનિશ્ચિતતા ઉભી થઈ છે.જામનગરમાં બ્રાસ ઉદ્યોગના અંદાજે 9000થી વધુ એકમો કાર્યરત છે. તેમાંથી આશરે 3500 જેટલા એકમો ગેસની અછતને કારણે સીધા પ્રભાવિત થયા હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

કારખાનાઓમાં ઉત્પાદન કાર્ય બંધ થઈ ગયું

જામનગર GIDC વિસ્તારમાં ગેસ પુરવઠાની ગંભીર સમસ્યા સર્જાતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. ગેસના અભાવે ઘણા કારખાનાઓમાં ઉત્પાદન કાર્ય બંધ થઈ ગયું છે. જેના કારણે રોજના લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.કામદારોમાં પણ રોજગાર અંગે અસુરક્ષાની ભાવના ઉભી થઈ છે.જામનગર દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક શહેરોમાંનું એક છે અને અહીંનો બ્રાસ ઉદ્યોગ દેશ-વિદેશમાં જાણીતા ઉત્પાદનો માટે પ્રસિદ્ધ છે.આ ઉદ્યોગ હજારો પરિવારોના રોજગાર સાથે સંકળાયેલો હોવાથી ઉદ્યોગકારોએ સરકાર પાસે LPG ગેસનો પુરવઠો તાત્કાલિક નિયમિત કરવા માંગ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકના ઘરે જ કરી ચોરી, લાયસન્સવાળી પિસ્તોલ અને જીવતા કારતૂસ લઈ થયો છૂમંતર


  • Follow us on: