જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ધ્રોલની 'તુલજાભવાની જ્વેલર્સ'માં થયેલી સનસનાટીભરી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ખેતમજૂરીના બહાને રેકી કરી ચોરીને અંજામ આપનાર દાહોદની ગેંગના ત્રણ સાગરીતોને પોલીસે ₹27.96 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
દીવાલમાં બાકોરું પાડી CCTV પર કપડું ઢાંક્યું
ધ્રોલ નગરપાલિકા સામે આવેલી પ્રકાશભાઈ સોનીની જ્વેલર્સની દુકાનમાં ૧૪ જાન્યુઆરીની રાત્રે તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરી કરી હતી. તસ્કરોએ દુકાનની પાછળની દીવાલમાં લોખંડના સળિયાથી બાકોરું પાડ્યું હતું. અંદર પ્રવેશ્યા બાદ પોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ અત્યંત ચાલાકી વાપરી CCTV કેમેરા પર કપડાં ઢાંકી દીધા હતા. ત્યારબાદ તેઓ ₹26.96 લાખના સોના-ચાંદીના દાગીના ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.
LCBની ટીમની વોચ અને ધરપકડ
જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ LCB PI વી.એમ. લગારીયાની ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ચોરીનો માલ વેચવા માટે ત્રણ શખ્સો મોટરસાયકલ પર જોડિયાથી ધ્રોલ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે ધ્રોલના ચામુંડા પ્લોટ પાસે વોચ ગોઠવી પોલીસે ત્રણ આરોપીઓને આંતર્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ
પોલીસે દાહોદ જિલ્લાના વતની એવા ૩ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ આ વિસ્તારમાં ખેતમજૂરી કરવા આવ્યા હતા. આ મજૂરો દિવસ દરમિયાન ખેતરોમાં કામ કરતા અને રાત્રે બંધ દુકાનોની રેકી કરીને ચોરી કરતા હોવાનું ખુલ્યું છે. પોલીસે તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹27,96,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીનો 20મો કોન્વોકેશન, DAU ના વિદ્યાર્થીઓ હવે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગજવશે નામ