વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે મુંબઈ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યોજાયેલા રોડશો દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ અનંત અંબાણી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રિલાયન્સ ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરાઈ રહેલા વિશાળ રોકાણો અને આગામી મેગા પ્રોજેક્ટ્સ અંગે સઘન ચર્ચા કરાઈ હતી. બેઠક દરમિયાન ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, પેટ્રોકેમિકલ્સ, રિટેલ સપ્લાય ચેઈન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં રિલાયન્સના પરિવર્તનકારી યોગદાનને બિરદાવાયું હતું. મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર જામનગર ખાતે ગ્રીન હાઈડ્રોજન, સોલાર એનર્જી અને એડવાન્સ્ડ મટીરિયલ્સના ઉત્પાદન માટે વર્લ્ડ ક્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપવાની રિલાયન્સની કટિબદ્ધતાને આવકારાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીના વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પ અને ભવિષ્યલક્ષી, આત્મનિર્ભર અર્થતંત્રના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે વિશ્વસ્તરીય ઔદ્યોગિક પાયો અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે, જેનાથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે. આ બેઠકથી VGGS2027 અંતર્ગત ગુજરાતમાં ગ્રીન એનર્જી અને હાઈટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કરોડો રૂપિયાના નવા રોકાણો આવવાનો માર્ગ વધુ સુગમ બન્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો