હાલાર પંથકમાં ક્રિસમસની રાત્રે ધર્મ પરિવર્તનની આશંકાને પગલે ભારે હોબાળો મચી ગયો છે. જામનગરના પીપળીવાડી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સ્થાનિક શ્રમિકોને લલચાવીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાની શંકા સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો ઘટનાસ્થળે પહોંચતા દોડધામ મચી ગઈ હતી.

જામનગરમાં ધર્મ પરિવર્તન થતુ હોવાની આશંકા

મળતી માહિતી મુજબ, જામનગરના પીપળીવાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં રાત્રિના સમયે શંકાસ્પદ ગતિવિધિઓ ચાલી રહી હોવાની બાતમી હિન્દુ સંગઠનોને મળી હતી. મધ્યપ્રદેશ (MP) પાસિંગની બે ફોર-વ્હીલર ગાડીઓ સાથે આવેલા કેટલાક લોકો ત્યાં હાજર હતા. આ લોકોએ આસપાસના વિસ્તારના ખેત મજૂરો અને પરપ્રાંતિય શ્રમિકોને મોટી સંખ્યામાં એકઠા કર્યા હતા.

ભોજન અને ઉપદેશની આડમાં ખેલ?

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રમિકોને 'ક્રિસમસ સેલિબ્રેશન' અને ભોજનના બહાને બોલાવવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેક કટિંગ અને ખ્રિસ્તી પ્રાર્થના કરવામાં આવી હતી. સ્થાનિકોને બાઇબલનું વિતરણ કરી ધાર્મિક ઉપદેશ આપવામાં આવી રહ્યો હતો.શ્રમિકોને ભોજન કરાવી અન્ય પ્રલોભનો આપવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુ સંગઠનોનો વિરોધ અને પોલીસ કાર્યવાહી

જ્યારે VHP અને બજરંગ દળના કાર્યકરો વાડીમાં પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર કેટલાક શંકાસ્પદ લોકો નાસી છૂટ્યા હતા. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ગરીબ મજૂરોની મજબૂરીનો લાભ ઉઠાવી મિશનરીઓ દ્વારા તેમનું ધર્મ પરિવર્તન કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા જામનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી, શંકાસ્પદ જણાતા કેટલાક લોકોની અટકાયત કરી છે અને તેમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.


આ પણ વાંચો :વાવડી ગામમાં જમીન વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, વાડીમાં JCB ફેરવી લાખોનું નુકસાન