જામનગર જિલ્લાની કચેરીમાં અંદર ખાને ચાલતો ભ્રષ્ટાચાર વધૂ એક વખત ખૂલીને બહાર આવ્યો છે. સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે રૂ.1 હજારની લાંચ માંગવાના આરોપસર નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત બે સામે એસીબીમાં ફરિયાદ બાદ ગુનો નોંધાયો છે. વર્ષ 2022માં તા. 7 અને 8 માર્ચ એમ બે વખત લાંચનું છટકું ગોઠવાયુ હતું. જો કે, છટકું નિષ્ફળ નીવડયા બાદ તપાસના અંતે હવે લાંચ અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરાતા કર્મચારી આલમમાં ચકચાર વ્યાપી છે.
સિક્કામાં રહેતા એક વ્યક્તિએ વર્ષ 2018માં મકાન ખરીદ્યું હતું. મકાનનો ટેક્સ ભર્યા બાદ દસ્તાવેજમાં પોતાનું તથા પત્નીનું નામ ટ્રાન્સફર કરાવી એનઓસી મેળવવાની કાર્યવાહી કરવી હોવાથી સિક્કા નગરપાલિકાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ટેક્સ શાખાના તત્કાલીન સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અતુલકુમાર રમણીકલાલ પંડયા તથા કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક એવા નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયાએ રૂ.1,000ની લાંચની માંગણી કરી હતી. જે તે વખતે એસીબીમાં રજૂઆત બાદ તા. 7 અને તા. 8 માર્ચ 2022ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું અને લાંચની રકમની સ્વીકૃતિ કે રિકવરી થઈ ન હતી. ત્યાર પછી આ પ્રકરણની ખુલ્લી તપાસ શરૂ કરાઇ હતી. તપાસના અંતે બંને આરોપીઓએ રૂ.1,000નો લાંચની માંગણી કરી હોવાનું પ્રાથમિક તબ્બકે બહાર આવતાં આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ આરંભવામાં આવી છે.
