જામનગર તા.31 ના રોજ વહેલી સવારે ભારે પવનની સ્થિતિ વચ્ચે શહેરના એસપી કચેરી બાજુમાં આવેલા મહિલા પોલીસ મથકનું એક મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાને લઇને પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. વૃક્ષ સીધું મહિલા પોલીસ સ્ટેશનના મકાન પર પડતાં ઉપરના નળિયા, દિવાલોના કેટલાક ભાગ અને એક સરકારી વાહનમાં નુકસાન થયું હતું.

તોફાની પવનને લઇ વર્ષો જૂનું પીપળાનું ઝાળ મહિલા પોલીસ મથકના મકાન પર જ ખાબકતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે આ ઘટના સમયે કોઈ કર્મચારી કે અરજદાર વૃક્ષની ઝપેટમાં ન આવતા મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. આ વેળાએ બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો ઉપર વિશાળ વૃક્ષ અને તેની ભારે ડાળીઓ ખાબકતાં વાહન ઝાડ નીચે દબાઈ ગયું હતું. વૃક્ષના વજનને કારણે બોલેરોના બોનેટ, છત, કાચમાં નુકસાન પહોંચ્યું હતું. જ્યારે સત્ય પ્રાઈમ સ્કુલની દીવાલમાં પણ ઝાડ પડવાથી નુકસાન થયું હતું.ઘટનાની જાણ થતાં જામનગર મહાનગર-પાલિકાની ફાયર શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષની મોટી ડાળીઓ તથા થડને અલગ કરી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 1 કલાકની જહેમત બાદ ફાયર ટીમે ઝાડનો કાટમાળ દૂર કર્યો હતો. વહેલી સવારે ભારે પવન ફુંકાતા મહિલા પોલીસ મથક ઉપર એક વૃક્ષ અચાનક ધરાશાય થતા થોડીવાર માટે દોડધામ થઇ ગઇ હતી. વૃક્ષ પડતા પોલીસ મથકની દિવાલો સહિત થોડા વાહનોને પણ નુકશાની પહોંચી હતી.