સરકારી કચેરીઓમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર વધુ એક વખત ખુલ્લીને બહાર આવ્યો છે. ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનો વધુ એક પુરાવો જામનગરમાં સામે આવ્યો છે. જામનગર-રાજકોટ હાઇવે પર ત્રિમંદિર પાસેની ઇન્કમટેક્સ ઓફિસ નજીક એસીબીએ ગોઠવેલા છટકામાં અમદાવાદના આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર રૂ. 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. બંધ થયેલું ઇન્કમટેક્સ એસેસમેન્ટ ઓડિટ ફરી ન ખોલવાના બદલામાં લાંચના ખેલ રચતા પકડાયા બાદ અધિકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ઓડિટ ભવન નવરંગપુરા ખાતે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર તરીકે ફરજ બજાવતા વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉ.વ. 44)એ લાંચ લેતા પકડાયા હતા. ફરિયાદીની ઓફિસના મેનેજિંગ ડિરેક્ટરનું વર્ષ 2024-25માં ભરેલા ઇન્કમટેક્સ રિટર્ન અંગેની ક્વેરી બાદ તેનું નિરાકરણ થઈ ગયું હતું. જે બાદ બંધ થયેલું એસેસમેન્ટ ઓડિટ માટે ફરી ન ખોલવાના બદલામાં વિનસકુમાર અમરચંદ સાવરીયાએ રૂ.8 લાખની લાંચની માંગણી કરી હતી. જો કે, તેઓ લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી જાગૃત નાગરિકે જામનગર એસીબીની ટીમનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમે છટકૂ ગોઠવ્યું હતું.જામનગર-રાજકોટ હાઇવે પર ત્રિમંદિર જવાના સાઇનબોર્ડ પાસે ઇન્કમટેક્સ ઓફિસ નજીક આરોપી વિનસકુમારની કારમાં જ લાંચની રકમની આપ-લે થતી હતી. બરોબર આ જ વેળાએ એસીબીની ટીમે છાપો મારી તેને ઝડપી લીધો હતો. આરોપીએ લાંચ પેટે સ્વીકારેલી રૂ. 8 લાખની રકમ રિકવર કરી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
