જામનગર જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સિક્કા ગામના એક શખ્સના રહેણાંક મકાનમાંથી બે કરોડ ઉપરાંતની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી એમ્બરગ્રીસ)નો જથ્થો ઝડપી પાડયો હતો.


પોલીસે આ કિંમતી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. સિક્કા ગામમાં એમ્બરગ્રીસના જથ્થા મામલે તાત્કાલિક એસઓજી પોલીસે રેડ પાડતા સિક્કાના નાઝ સિનેમાં પાછળ ઇમામ ચોક પાસે રહેતા અને મજૂરી કામ કરતા ઇમરાન ભાયાના મકાનમાંથી એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો. ઈમરાન દાઉદભાઇ ભાયાના રહેણાંક મકાને તલાસી દરમિયાન રસોડામાંથી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ)ના ટુકડાઓ મળી આવ્યા હતા. રૂપિયા 2.06 કરોડની કિંમતના 2 કિલો 069 ગ્રામનો જથ્થો જપ્ત કરી શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીના ટુકડાઓ કબ્જે કરી પરીક્ષણ અર્થે એફ.એસ.એલ. ખાતે મોકલવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એમ્બરગ્રીસ તરીકે ઓળખાતી વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ મોંઘા પરફ્યુમ, દવા અને શેમ્પુ બનાવવા માટે થાય છે.

ઉલ્ટીનો જથ્થો દરિયા કિનારેથી મળ્યો હોવાનું રટણ

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીને આ શંકાસ્પદ જથ્થો દરિયા કિનારેથી મળ્યો હોવાનું પોતે રટણ રટયુ હતું. હાલ પોલીસ દ્વારા એફએસએલના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટમાં ઉલ્ટીનો જથ્થો સ્પષ્ટ થયા બાદ આરોપી સામે ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ કરાશે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: