જામનગર શહેરના બાયપાસ રોડ પરથી આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પ્રખ્યાત રેસ્ટોરન્ટના રસોડામાં (કિચન) અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે રેસ્ટોરન્ટમાં જમી રહેલા ગ્રાહકો પોતાનું ભોજન અધવચ્ચે જ છોડીને જીવ બચાવવા માટે બહાર તરફ દોડી ગયા હતા. જામનગર બાયપાસ પાસે આવેલી 'ચાચા ભતીજા' નામની રેસ્ટોરન્ટના કિચનમાં આ અકસ્માત સર્જાયો હતો.

કિચનનો સામાન બળીને થયો ખાખ

અચાનક રસોડામાં આગ ફાટી નીકળતાં ત્યાં હાજર સ્ટાફ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. આ કટોકટીની ક્ષણે રેસ્ટોરન્ટના સંચાલકો અને સ્ટાફે અદ્ભુત સમયસૂચકતા દાખવી હતી. તેમણે કિચનમાં રાખેલા ગેસના મોટા સિલિન્ડરો (બાટલા) કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા, જેના કારણે એક મોટો બ્લાસ્ટ થતાં અટકી ગયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટનામાં રેસ્ટોરન્ટના રસોડામાં રાખેલી તમામ વસ્તુઓ, ફર્નિચર અને અન્ય સાધન-સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન થયું છે.

ફાયર ફાઇટરોએ આગ પર મેળવ્યો કાબૂ

ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, ગેસ સિલિન્ડર સમયસર બહાર કાઢી લેવાયા હોવાથી અને લોકો ત્વરિત બહાર નીકળી ગયા હોવાથી આ ભીષણ આગમાં કોઈ જાનહાનિ કે ઇજાના સમાચાર નથી. હાલમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર આગ લાગી છે, તેનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો