જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર આંબરડી ગામની નદી કાંઠે પટમાં ચાલતા દારૂના કટિંગ વેળાએ જ પોલીસે રેડ પાડી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો હતો.પોલીસે બેન્ટોનાઇટ પાવડર (કુદરતી માટી)ની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી દારૂ તથા વાહનો મળી રૂ.42.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપીઓ અંધારાનો લાભ લઇને નાશી છૂટતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દારૂના દૂષણ સામે શેઠવડાળા પોલીસ સતર્કતાથી પેટ્રોલિંગ કરી રહી હતી આ વેળાએ મેઘપર આંબરડી ગામમાં દારૂના કટિંગ મામલે બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી. મેઘપર આંબરડીનો ભાયા લખમણભાઇ છેલાણા, ભીમા ભાયાભાઇ છેલાણા નામના શખ્સો મેઘપર આંબરડી ગામની બહાર આવેલી નદિના કાંઠે ખુલ્લા પટમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા હોવાની જાણકારીના આધારે પોલીસ ત્રાટકતા આરોપીઓ અંધારાનો લાભ લઇને નાશી છૂટયા હતા. જ્યાંરે બાતમી સ્થળેથી રૂ.20.17 લાખની કિંમતની દારુની 2917 બોટલ, રૂ.4.98 લાખની કિંમતના 4986 નંગ ચપટા, એક ટ્રક, એક બોલેરો પીકઅપ, તથા ટ્રકમાં રહેલો રૂ.2.20 લાખની કિંમતનો બેન્ટોનાઇટ પાવડર સહિત રૂ.42.37 લાખનો મુદામાલ પકડાયો હતો. તપાસમાં આરોપી ભાયા લખમણભાઇ છેલાણા (રહે.મેઘપર આંબરડી ગામ તા.જામજોધપુર), ભીમા ભાયાભાઇ છેલાણા (રહે. મેઘપર આંબરડી), ટ્રક ચાલક સહિતના શખ્સોની સંડોવણી સામે આવ્યા બાદ તેને ફરાર જાહેર કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.