જામનગર શહેરમાં પ્રદુષણ અને ટ્રાફીકની સમસ્યા ઘટાડવા તથા આગામી 2047-વિકસિત ભારતના 22 વર્ષોને ધ્યાનમાં રાખીને શહેરથી શહેરમાં આવતો તમામ માલ-સામાન ઈલેક્ટ્રીક વાહનો દ્વારા જ આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા રાજ્ય સરકારે બનાવેલો રૂ.1354.50 કરોડનો સીટી લોજીસ્ટિક પ્લાન તાજેતરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં જામનગરના મેયર ચેરમેન તથા મ્યુ. કમિશનરને સોંપાયો છે. જેમાં શહેરથી 15 કી.મી. દુરના જાંબુડા, અલીયાબાડાને સ્પર્શતા બાયપાસ સહિતના બે રીંગ રોડ, પાંચ લોજિસ્ટિક પાર્કો, માઈક્રો ડિલીવરી હબની વ્યવવસ્થા ઉભી થશે. આ દરમિયાન સરકાર દ્વારા 900 ઈલેક્ટ્રીક વાહનો આપવામાં આવશે. તેમ પ્લાનમાં દર્શાવાયું છે.
શહેર આગામી 22 વર્ષમાં ઘણું વિસ્તરશે. તેથી શહેરી ટ્રાફીક અને પ્રદુષણ નિવારવા શહેરમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા માલવાહક વાહનો પ્રવેશે જ નહીં તેવો પ્રબંધ કરવામાં આવશે. જે માટે ત્રણ તબક્કામાં રૂ.1454.50 કરોડ ખર્ચાશે. આ ખર્ચ કેવી રીતે થશે. તેનું વિવરણ જોઈએ તો પ્રથમ તબક્કામાં વર્ષ 2026 થી 2030માં શહેરથી રાજકોટ હાઈ-વે ઉપરના જાંબુડા ગામ સુધી રૂ.126.60 કરોડના ખર્ચે રોડ પહોળા થશે.










