ભગવાન શ્રી રામ-લક્ષ્મણ-જાનકીના અયોધ્યા પ્રવેશના તહેવાર દીવાળીની જામનગર નાના બાળકો અને મોટેરાઓ દ્વારા ઉમંગ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. વેપારીઓએ શુભ મુહુર્તમાં ચોપડા પુજન કર્યું હતું. શહેરમાં રાત્રે 9 થી સવારે 7 સુધી શહેર અને શહેરનું આકાશ આતશબાજી અને ધમાકાઓથી ગુંજતું રહ્યું હતું. શહેર અને આસપાસની હોટેલ-રેસ્ટોરેન્ટ, ધાબાઓ રાત્રે 3 વાગ્યા સુધી ધમધમતા રહ્યા હતા. તહેવારના ઉલ્લાસની સાથે સાથે સરકારી તંત્રની ગેરહાજરીનો લાભ લઈને જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયદેસરના ફાટાકડા વેચાણનો જાણે રાફાડો ફાટયો હોવાની સ્થિતિ દ્રષ્યમાન થઈ હતી. દીવાળીના પર્વ નિમિત્તે ખંભાળીયા રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી ધર્મનિધિ સ્વામી અને સંતોની ઉપસ્થિતિમાં પરંપરાગત રવિ સભા અને સમુહ ચોપડા પુજન યોજાયું હતું. બાદમાં મહાપુજા યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર પી. બી. પંડયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શહેરમાં વેપારી વર્ગમાં ઠેર-ઠેર ચોપડા પુજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ વિસ્તારો ફાટાકડાની રોશની અને ધમાકાના અવાજથી ગુંજી ઉઠયા હતા. ખાસ કરીને તળાવની પાળે જાહેરમાં મોટાપાયે ફાટાકડા ફુટયા હતા. રાત થી વહેલી સવાર સુધીમાં આકાશ રંગબેરંગી બનેલું રહ્યું હતું.શહેરમાં વહિવટી તંત્રનો અને મહાનગરપાલિકાના તંત્રનો કન્ટ્રોલ જ ન હતો. કારણ કે, અધિકારીઓ ખુદ રજાના માહોલમાં હોવાથી શહેરમાં તીન બત્તી, ડીકેવી સર્કલ, બેડી ગેઈટ, રણજીત રોડ, સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ખંભાળીયા ગેઈટથી દિગ્વિજય પોલીસ ચોકી સુધીમાં રેંકડીઓમાં ગેરકાયદેસર રીતે ફાટાકડાનું બેફામ અને બેરોકટોક વેચાણ થયું હતું.
