જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાંથી આરોગ્ય સાથે ચેડાં કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલાવડના હરિપર મેવાસા ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગામના રબારીવાસ વિસ્તારમાં રહેતા મેરૂભાઈ બધાભાઈ વંશના રહેણાક મકાનમાં ચાલતી ભેળસેળયુક્ત દૂધની ડેરી પર SOGની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન ત્યાં નકલી અને શંકાસ્પદ દૂધ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.

486 લીટર દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરનો જથ્થો જપ્ત

SOG દ્વારા કરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન ડેરીમાંથી મોટી માત્રામાં ભેળસેળની સામગ્રી મળી આવી હતી. પોલીસ અને તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી:

  • 486 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો
  • 75 કિલો વનસ્પતિ ઘી
  • 44 કિલો દૂધ બનાવવાનો પાવડર

કબજે કરવામાં આવ્યા હતા. આટલી મોટી માત્રામાં નકલી સામગ્રી મળી આવતા સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે.

Jamnagar News: SOG Raids Fake Milk Unit in Kalavad's Haripar Mevasa, Seizes Large Quantity

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ડેરી સીલ અને સેમ્પલ લેવાયા

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOG દ્વારા તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને દૂધ અને અન્ય સામગ્રીના જરૂરી નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે અને ગેરકાયદે ધમધમતી આ ડેરીને તુરંત જ સીલ કરી દેવામાં આવી છે.

https://x.com/sandeshnews/status/2121585536188272866?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2121585536188272866%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

માનવ સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે રીતે જથ્થાનો નાશ

લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં કરતા આ હાનિકારક જથ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા છે. નિયમ અનુસાર અને પર્યાવરણ કે માનવ સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય તે રીતે જપ્ત કરવામાં આવેલા શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી અને પાવડરનો યોગ્ય નિકાલ કરી નાશ કરવામાં આવ્યો છે. હાલ ફૂડ સેફ્ટી વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આ ધંધાર્થી સામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?