છોટા કાશી ગણાતા જામનગર શહેરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર શહેરના અત્યંત વ્યસ્ત એવા લાલ બંગલા વિસ્તારમાં આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સનું છાપરું (ડોમ) પવનના કારણે ઉડીને હવામાં લટકતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ છાપરું રસ્તા પર પડવાને બદલે બાજુમાં આવેલા ઝાડમાં અટવાઈ જતા મોટી જાનહાનિ ટળી છે.
માધવ દર્શન કોમ્પ્લેક્સમાં બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, લાલ બંગલા પાસે આવેલા 'માધવ દર્શન' નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ઉપરના ભાગે લગાવવામાં આવેલ પતરાનું ડોમ અચાનક ઉખડી ગયું હતું. આ ડોમ હવામાં ફંગોળાઈને બાજુમાં આવેલા એક ઊંચા ઝાડ પર જઈને અટકી ગયું હતું. જો આ ડોમ સીધું રસ્તા પર પડ્યું હોત તો નીચેથી પસાર થતા વાહનચાલકો કે, રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થઈ શક્યું હોત.
સુરક્ષાના ભાગરૂપે રસ્તો બંધ કરાયો
ઘટનાની જાણ થતા જ જામનગર ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હવામાં લટકી રહેલું છાપરું ગમે ત્યારે નીચે પડી શકે તેમ હોવાથી, સુરક્ષાના કારણોસર પોલીસે તાત્કાલિક અસરથી આ રોડ પરની અવરજવર બંધ કરાવી દીધી હતી. રાહદારીઓ અને વાહનચાલકોને અન્ય રસ્તે વાળવામાં આવ્યા હતા.
https://x.com/sandeshnews/status/2054563400320246270
ફાયર વિભાગની રેસ્ક્યૂ કામગીરી
હાલ ફાયર વિભાગના જવાનો આ વિશાળ ડોમને ઝાડ પરથી સુરક્ષિત રીતે નીચે ઉતારવા અથવા તેને વ્યવસ્થિત રીતે બાંધી લેવાની કામગીરી કરી રહ્યા છે. હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને અન્ય સાધનોની મદદથી આ જોખમી છાપરાને સેફ જગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો - Jamnagar: જી.જી. હોસ્પિટલ સામે બે યુવકો પર લાકડીઓ વડે હુમલો, યુવકોને દોડાવી-દોડાવીને માર મારતા અફરાતફરી